કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, જાણો ક્યારે થશે સુનાવણી

વિધાનસભા ગૃહમાંથી કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેનશન રદ્દ કરવાની માંગ સાથે કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે. કોર્ટે અર્જન્ટ હીયરીંગ માટે પરવાનગી આપતા 27 માર્ચે આ મામલે સુનાવણી થાય તેવી શક્યતા છે. 14 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. વિધાનસભામાં બનેલી મારામારીની ઘટનામાં એક આક્ષેપ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પર વિધાનસભા ગૃહમાં હુમલો કર્યો અને છુટ્ટુ માઈક માર્યું હતું. આ ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને બળદેવજી ઠાકોરની પણ સંડોવણી સામે આવી હતી. તો બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસે જગદીશ પંચાલ પર જ ધારાસભ્યોની ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો હતો.
આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે શાસક પક્ષ તરફથી કોંગ્રેસી ધારાસભ્યો સામે કડક સજાની માંગ કરાયા બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને ગૃહમાંથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા અને બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.ત્યારબાદ વિપક્ષે પણ ખાસ્સો વિરોધ નોંધાવ્યો હતો અને વિધાનસભા અધ્યક્ષ પર પોતાની સત્તા બહારના નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો. વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.જયારે આગામી દિવસોમાં ગૃહમાં આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થનાર છે ત્યારે સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોએ હાઇકોર્ટમાં અર્જન્ટ હીયરીંગની માંગ સાથે પહોંચ્યા છે અને પોતાનું સસ્પેનશન સ્થગિત કરવાની માંગ કરી છે. આ મામલે મંગળવારે સુનાવણીની શક્યતા છે.

More videos

See All